વચનામૃત વરતાલનું - ૧૯
સંવત ૧૮૮૨ના મહા સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદી-તકિયા નખાવીને વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી ઠાકોરજીની સંધ્યા-આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) સાંભળો ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્યદેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય, તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે, પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહિ, શા માટે જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે, અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે, તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથ કરે તે સર્વે સત્ય થાય છે, માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે, તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકમાં જે ભોગ-સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ ને મન-કર્મ-વચને કરીને ભગવાનના ભક્તને વિષે જ દૃઢ પ્રીતિ કરી જોઈએ અને એમ સમજ્યું જોઈએ જે, જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે પણ ઇન્દ્રની પદવીને પામે, કાં બ્રહ્મલોકને પામે પણ પ્રાકૃત જીવની પેઠે નરક ચોરાશીમાં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે ? માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દૃઢ પ્રીતિ રાખવી. (૧) ઇતિ વચનામૃતમ્ ।।૧૯।। (૨૧૯)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે અમે કાં અમારા સંત આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોઈએ તે જેને અમારી ઓળખાણ પડે તે અમારો ભક્ત થાય તે પછી તેને અમારા સુખ વિના માયિક સુખ ન ઇચ્છવું કેમ જે અમારા ધામના સુખ આગળ માયિક સુખ છે તે નરક જેવું ને કાકવિષ્ટા તુલ્ય છે, માટે જેમ મનુષ્ય નરકને પરમ દુઃખદાયી જાણે છે તેમ અમારા ભક્તોએ માયિક સુખ નરક જેવું જાણવું ને અમારા સંતને વિષે પ્રીતિ રાખવી, અને અમારા ભક્ત સવાસનિક હોય તો તે પણ ઇન્દ્ર-બ્રહ્માની પદવી પામે તો યથાર્થ અમારા ભક્તનો મહિમા ને સુખ તે તો વર્ણન થાય જ કેમ, એમ જાણીને અમારે વિષે પ્રીતિ કરવી. (૧) બાબત છે. ।।૧૯।।